ત્રીસ વર્ષની ઉંમર પછી ડાયાબિટિસથી બચવા તેના કારણોનો ત્યાગ કરો.
સુબોધ : વૈધરાજ આર્યુવેદ તો માને છે કે કોઈ પણ રોગનાં કારણોને સાંગોપાંગ જાણીને પછી તેને દૂર કરવાથી જ રોગમાં રાહત થાય અને તે આગળ વધતો અટકે છે. તો આર્યુવેદમાં આ ડાયાબિટિસનાં કારણો અમને સરળ અને ઉપયોગી રીતે સમજાવશો? જેથી હું મારામાં આ રોગ થવાનાં કારણો તો જાણી શકું. બાકી તો મને એક સજાગ દર્દી તરીકે જાણવાની ઈચ્છા હોવા છતાં આ કારણો કોઈએ જણાવ્યા નથી.
વૈધ : ભગવાન પુનર્વસુ આત્રેય એ આર્યુવેદનાં મહાન મહર્ષિ થઈ ગયા અને તેમની પ્રેરણાથી તેમનાં શિષ્ય અગ્નિવેશે આર્યુવેદની ગીતા કહી શકાય એવો મહાન ગ્રંથ લખ્યો જે આજનાં સમયમાં ચરક સંહિતા તરીકે પ્રસિદ્ધ છે. જેના મૂળ ઉપદેષ્ટા પુનર્વસુ આત્રેય અને રચનાકાર અગ્નિવેશ છે જેને ચરકમુનિએ પ્રતિસંસ્કૃત કર્યો તેથી તેને ચરક સંહિતા કહેવાય છે. તેમાં આ મધુમેહના કારણો અને સંપૂર્ણ ચિકિત્સા ભાવટપ્રકાશ, માનવનિદાન વગેરેમાં અનેકમાં પણ વિશદ વિવરણ ઉપલબ્ધ છે.
સુબોધ : પણ વૈધરાજ અમને આપના આ ગ્રંથો, તેની માહિતી અને તેના લેખકો વગેરેથી શો સંબંધ? અમે કાઈં એવાં ભારેખમ સંસ્કૃત થોથા થોડી સમજી શકવાના હતા? અમને તો આપ તેનાં કારણો સરળ રીતે સમજાવો એ જ જરૂરી.
વૈધ : એનું વર્ણન પણ તમારા લાભમાં જ છે. કેમ કે આર્યુવેદનું જ્ઞાન કોઈ એક જ સંહિતામાં નથી. પરતું પ્રત્યેક ગ્રંથની પોતાની આગવી વિશેષતા છે. કોઈમાં રોગની સાંગોપાંગ સમજ છે, તો કોઈમાં એની શ્રેષ્ઠ ચિકિત્સા છે તો વળી કોઈમાં તેનાં માટેનાં આહાર-વિહારથી માંડીને વ્યાયામનું વર્ણન છે. તે પણ બધું હજારો વર્ષોનાં અનુભવથી અત્યંત સિદ્ધ પ્રયોગ સ્વરૂપનું અને ત્વરિત પરિણામ આપનારું છે. હવે આપ એ બધાના સારરૂપ અને જેમ ભમરો બધાં જ શ્રેષ્ઠ ફૂલોમાંથી મધ એકઠું કરી અમૃતરૂપે આપે તેમ સરળતાથી સારભૂત અમૃતને સમજો. કોઈ પણ પ્રકારનો આહાર કે વિહાર જે શરીરમાં અપકવ એટલે કે કાચા, અપાચિત, પોતાના સંપૂર્ણ સ્વરૂપને ન પામેલા તત્વોને ઉત્પન્ન કરે તે કારણોનું સેવન એ ડાયાબિટિસ રોગ થવાનો પ્રથમ અવસર શરીરને પુરો પાડે છે. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા બંનેનાં મત મુજબ આ રીતે ઉપન્ન થતી શારીરિક તત્વોની અપક્વતા જ પ્રમેહ રોગ માટે જવાબદાર છે.
સુબોધ : આ અપકવ તત્વો એટલે શું?
વૈધ : સુબોધભાઈ આપને જો આર્યુવેદનું સામાન્ય જ્ઞાન હોય તો જ આપ આ સંપૂર્ણ કારણો જે ડાયાબિટિસ જેવો અસાધ્ય અને મહાભયંકર રાજરોગ ઉત્પન્ન કરવામાં જવાબદાર છે તેનાથી રોગની ઉત્પત્તિ કેમ થાય એ સમજી શકશો અને તેનાં ઉપાય માટે આગળ વધી શકશો. આર્યુવેદ અનુસાર આપણું શરીર બહારનાં મુખ્ય ત્રણ તત્વો હવા, પાણી અને ખોરાકનું ગ્રહણ કરી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા તેમાંથી શરીરને ઉપયોગી એવાં શરીરક કે જૈવિક પદાર્થોનું નિર્માણ કરે છે. આ નિર્માણ કાર્ય માટે થતી વિભિન્ન પ્રક્રિયાઓનો આધાર શરીરની પાચનશક્તિ, ઉંમર, શારીરિક અને માનસિક બંધારણ, પ્રકૃતિ, નિદ્રા એવાં અનેક પરિબળો પર રહેલો છે. સારા, સ્વચ્છ, ઉત્તમ અને યોગ્ય માત્રામાં સેવન કરાયેલાં ખોરાક, પાણી અને હવા દ્વારા શરીરનો અગ્નિ શરીરની પ્રત્યેક સારી અને નરસી ક્રિયાઓ માટે જવાબદાર છે. ધાતુઓ સાત છે જે શરીરનો આધારભૂત ઘનભાગ જેવાં કે માંસ, મેદ, અસ્થિ, મજ્જા તથા પ્રવાહીભાગ જેવો કે રસ, રક્ત, શુક્ર વગેરે છે અને મૂળ, મૂત્ર, પરસેવો, આંખ, નાક, કાનનાં મેલ વગેરે છે. શરીરમાં આ ત્રણે પ્રકારનાં તત્વોનું યોગ્ય પ્રમાણ અને સ્વરૂપ જાળવવાનું કાર્ય અગ્નિનું છે. અગ્નિ દ્વારા દોષ, ધાતુ અને મળનું શરીરમાં યોગ્ય સ્વરૂપ અને પ્રમાણ જળવાય એ જ આરોગ્ય છે. જો તેનાં સ્વરૂપમાં કોઈ વિકૃતિ આવે અથવા તેનું પ્રમાણ વધ-ઘટ થાય તો શરીરનું સ્વાસ્થ્ય બગડે છે. હવે આપ સમજી શક્યા હશો કે અપક્વ તત્વો એટલે અગ્નિ દ્વારા પચી ન શકેલા, પોતાના યોગ્ય સ્વરૂપને ન પામેલા, પ્રમાણમાં વધારે કે ઓછા એવાં આ દોષ, ધાતુ અને મળ.
સુબોધ : તો પછી આ તત્વો શરીરમાં અપક્વ શા કારણોથી રહે છે? કે જેથી તેઓ ડાયાબિટિસ ઉત્પન્ન કરે.
વૈધ : હવે આપ મૂળને સમજ્યા. આર્યુવેદનાં આચાર્યોએ આ માટે જે કારણો આપ્યા એ મુખ્યત્વે ચારભાગોમાં વિભાજીત કરી શકાય :
૧) કોઈ પણ પ્રકારનાં શારીરિક અને માનસિક શ્રમ વગર તદ્દન બેઠાડું અને આરામદાયક જીવનની સાથે અત્યંત પૌષ્ટિક, ભારે, ચીકણાં, કાચા આહારનું સેવન
૨) ચિંતા વગેરે માનસિક કારણોથી અગ્નિ મંદ પડે અને અપક્વ તત્વો બને
૩) વારસાગત કારણ
૪) કોઈ પણ અન્ય રોગોથી અગ્નિ મંદ થાય ત્યારે.
હવે આપણે આ કારણોને ક્રમશ: વિસ્તારથી સમજીએ.
આજનાં ભૌતિક સગવડોથી ભર્યા જીવનમાં શારીરિક શ્રમનું પ્રમાણ ઘટતું જાય છે. સાથે સાથે આહારમાં પોષણનું મહત્વ વધતું જાય છે પરંતુ એક અતિ સરળ નિયમની પ્રત્યેક જગ્યાએ ઉપેક્ષા થતી જોવાં મળે છે કે પોષણ કરતાં પાચન અગત્યનું છે. જે વ્યક્તિ દિવસમાં ખુબ જ પૌષ્ટિક, ભારે, ઘી-દૂધ-દહીંની અધિકતાવાળો, ચીકણો, ઝીણા લોટમાંથી બનેલો, વાસી, આથાવાળો, સાકર, ખાંડ, ગોળ, તલ, મગફળી, નવું ધાન્ય, મીઠાઈઓ વગેરેનું અતિમાત્રામાં અને વારંવાર સેવન કરે અને તેની સામે આવું પોષણ ખર્ચ થાય તેવો શ્રમ, વ્યાયામ ન કરે એવી વધુ પડતી આરામદાયક જીવનશૈલીનાં કારણે વ્યક્તિનો અગ્નિ પ્રમાણમાં વધુ અને ભારે એવાં આ આહારને પચાવી શકતો નથી અને ક્રમશ: અપક્વ તત્વો દોષ, ધાતુ બને છે. આમ જેવાં પ્રકારનાં ગુણોવાળો આહાર લેવાય છે તેમાંથી શરીરનાં તત્વો પણ તેવાં પ્રકારનાં ગુણધર્મોવાળા બને છે. તેમાં પણ આ બધાં જ આહાર-વિહાર કફવર્ધક હોવાથી શરીરમાં ચીકાશ, દ્રવતા પચપચાપણું, શિથિલતા કે પ્રવાહીપણું જેવાં ગુણધર્મો ધરાવતી અને કાચી(અપકવતા)ના ગુણોવાળી ધાતુઓ વગેરેમાં વિકૃતિરૂપ વૃદ્ધિ થતી જાય છે. આમ ધાતુઓની આ વિકારરૂપ વૃદ્ધિ ક્રમશ: પ્રમેહની ઉત્પત્તિ કરે છે જેમાં મૂત્ર દ્વારા વધુ પ્રમાણમત આવી ચીકણી, દ્રવ ધાતુઓની આ વિકારરૂપ વૃદ્ધિ ક્રમશ: ધીરે-ધીરે આ સ્થિતિની અવગણના થવાથી પ્રમેહ એ અસાધ્ય એવાં મધુમહમાં ફેરવાય છે.
સુબોધ : આજનાં મધ્યમ વર્ગને નિરાંતનો શ્વાસ લેવા નથી મળતો. એક નોકરીમાંથી બીજી નોકરી, ઓવર ટાઈમ, રાતનાં ઉજાગરા અને એક વખત આરામથી ભોજનનો પણ સમય નથી. તેમાં પણ ડાયાબિટિસનાં કેસ વધતાં જવાનું કારણ શું? તેઓને તો આરામદાયક જીવનશૈલી પણ નથી મળતી.
વૈધ : ચિંતા તેમને ચિતા સમાન બળે છે. સતત કામનું ભારણ, અનિયમિત જીવન, આર્થિક સમસ્યા વગેરે તેમનો અગ્નિ કે પાચનશક્તિ બગડે છે જે સુપાચ્ય ખોરાકને પણ પચાવવા સક્ષમ રહેતો નથી અને અપાચિત સ્વરૂપમાં ફેરવે છે. આમ ડાયાબિટિસ થતો અટકાવવા ઉપર કહેલા બંને કારણોનો ત્યાગ કરવો જોઈએ. ટૂંકમાં પાચન મુજબ અને ભૂખથી ઓછું જમવું, કસરત કરવી અને તણાવમુકત રહેવું એ રોગ થતો અટકાવે છે અને રોગથી પીડાતા દર્દીઓનો રોગ વધતો અટકાવી તેને રાહત આપે છે.