સમયનાં અભાવમાં પણ આટલાં અંગોમાં તો ખાસ માલીશ કરવી.
માલીશ દરરોજ કરવાથી તેના અનેક સ્વાસ્થ્ય લાભ છે અને જેમ રોજ જમવું, સુવું અને વ્યાયામ કરવું જરૂરી છે તેમ રોજ માલીશ કરવું પણ એટલું જ જરૂરી છે. માલીશ માટે માત્ર ૧૫ થી ૩૦ મિનીટ નો સમય જ લાગે છે. આમ છતાં એટલો સમય પણ ન કાઢી શકે તેવાં લોકો માટે મહર્ષિ વાગ્ભટ્ટ એક ઉપાય બતાવે છે. તેમનાં મુજબ જો આખા શરીરે કોઈ કારણોસર માલીશ ન થાય તો ઓછામાં ઓછું માથું, કાન અને પગમાં તો ખાસ માલીશ કરવી જ જોઈએ.
માથા પર માલીશ કરવાની અનિવાર્યતા:
માથા પર માલીશ કરવી એટલે સામાન્ય ભાષામાં આપણે તેને નિયમિત વાળનાં મૂળમાં તેલ નાખવાની ક્રિયા કહી શકીએ. આયુર્વેદમાં શિરને ચેતનાનું ઉત્તમ સ્થાન કહ્યું છે. શરીરની બધી જ ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓનું સંચાલન કરવાં માટેનાં જ્ઞાનતંતુઓનું કેન્દ્ર મગજ અહીં જ આવેલું છે. આ ઉપરાંત શિર પ્રદેશમાં જ આપણી જ્ઞાનેદ્રિયો આંખ, કાન, નાક, જીભ રહેલાં છે. માથાની માલીશ આ દરેક અંગોનું આયુષ્ય વધારે છે. માથાની માલીશ જ્ઞાનતંતુઓ, મગજ, આંખ, વાળ વગેરે અંગોને પોષણ આપે છે.
પણ તેમાં એક સાવચેતી ખાસ રાખવી. એનેક જાહેરખબરોના વિશ્વાસે કેમિકલ અને મિનરલ ઓઈલ વાળા બજારૂ તેલ નો ઉપયોગ અત્યંત હાનીકારક છે. શુદ્ધ આયુર્વેદીય પદ્ધતિથી બનાવેલા અને આપની તાસીર મુજબ નાં તેલને હળવા હાથે માલીશ કરવી જોઈએ.
કાનમાં તેલ માલીશ?
થોડું સતપ તેલ કરી તેનાં ૩- 4 ટીપાં કાનમાં નાખવાની ક્રિયા કર્ણ પુરણ કે કાનની માલીશ કહે છે. કાન એ સાંભળવાનું અને શારીરિક સંતુલન જાળવવાનું કામ કરે છે. કાનનાં સૌથી અંદરના ભાગમાં જેને અંતઃ કર્ણ કહેવાય છે તેમાં આ કાર્ય કરવા માટે દુનિયાનાં સૌથી ઉમદા સેન્સર આવેલાં છે. આ સેન્સર એટલે એક વિશેષ જ્ઞાનતંતુ ના કોષો; જેને હેર સેલ કહે છે.
માનવશરીરના જન્મ સમય થી જ હેર સેલ એક માર્યાદિત સંખ્યામાં (આશરે ૧૫૦૦૦) જ ઈશ્વરે આપેલાં છે. એક વખત હેર સેલ ડેમેજ થયા પછી તેને ફરી બનાવવાની ક્ષમતા માનવશરીરમાં નથી.
જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આ હેર સેલ ની સંખ્યા ઘટતી જાય છે. આ ઉપરાંત બહારનાં પરિબળો જેવાકે અતિ ઘોંઘાટ, લાઉડ સ્પીકરના તીવ્ર અવાજ, ધ્વનિ પ્રદુષણ, ડાયાબીટીસ જેવાં રોગો વગેરે ને કારણે પણ હેર સેલ ડેમેજ થતાં જાય છે. વર્તમાન સમયમાં ધ્વની પ્રદુષણ ખુબ જ ભયજનક રીતે વધતું જાય છે. સડક થી કરીને સિનેમા સુધી અનેક પ્રકારના તીવ્ર અવાજ આપણા કાને જાણે અજાણે પડ્યા રાખતાં હોય છે, જે નાની ઉંમરમાં પણ હેર સેલ ડેમેજ કરી શરીરની સાંભળવાની અને સંતુલન કરવાની ક્ષમતાને ધીરે ધીરે ઓછી કરે છે.
કર્ણ પુરણ દ્વારા કાનમાં નાખવામાં આવતું ઔષધીય તેલ આ હેર સેલ ને પોષણ આપે છે અને તેનાં આયુષ્ય તેમ જ કાર્ય ક્ષમતામાં વધારો કરે છે. વળી બહારના પરિબળો સામે તેમનું રક્ષણ કરે છે. આથી જ તો નિયમિત કર્ણ પુરણ ની સલાહ આયુર્વેદ મહર્ષિઓએ કરેલી છે.
પગમાં માલીશાની અનિવાર્યતા:
વર્તમાન સમયમાં કરોડરજ્જુ અને પગનાં સાંધાઓ નાં રોગીઓની સંખ્યા વધતી જાય છે. પગ અને કરોડરજ્જુ એ વાત દોષનું સ્થાન છે. આથી ત્યાં વાત રોગ થવાની શક્યતા વધારે છે. વળી વધતી ઉંમર સાથે ઘસારાની પણ અસર પગ પર વધુ જોવાં મળે છે. સાંધા અને મણકાનો ઘસારો, સાયટિકા, ઘૂંટણ નો ઘસારો, ઓસ્ટીઓ આર્થરાઇટિસ, ઓસ્ટીઓ પોરોસીસ, કમરનો દુઃખાવો વગેરે સમસ્યાઓ નું મુખ્ય કારણ વાત દોષ છે. નિયમિત પગમાં માલીશ કરવાથી પગનાં સ્નાયુઓ, સાંધા અને કરોડરજ્જુ ને પોષણ મળે છે જેથી ત્યાં વાત દોષ ઘટે છે. આથી ઉંમર વધવાની સાથે થતી સ્નાયુ અને સાંધાની તકલીફ જોવાં મળતી નથી. નિયમિત પગની માલીશ કરનારા વૃદ્ધાવસ્થામાં પગથી પરવશ થતાં નથી અને સ્વતંત્ર તેમજ સ્વસ્થ જીવન વ્યતિત કરે છે.
સારાંશ:
સમયનાં અભાવમાં પણ માથું, કાન અને પગમાં તો નિયમિત માલીશ કરવી જ જોઈએ.