શું આપ દાંત અને પેઢાની પીડા કે વ્યસનને કારણે થયેલાં મોઢાના રોગોથી પરેશાન છો? તો અપનાવો આ ડિટોક્ષ પ્રક્રિયાઓ
દાંત, પેઢા અને મોઢાની મુખ્ય સમસ્યાનાં કારણો:
- વિદેશી ટૂથપેસ્ટ; આ પ્રકારના ટૂથપેસ્ટ દાંતની કોઈ રીતે સુરક્ષા કરતાં નથી ઉપરથી તેના હાનીકારક કેમિકલથી પેઢા અને દાંતને નુકસાન થાય છે.
- વ્યસન જેવા કે ચા, કોફી, તમાકું, ગુટકા, બીડી, દારૂ વગેરે; તેનાથી કેન્સર, મોઢાના ચાંદા, મોઢું પૂરું ના ખુલવું અને બીજી અનેક શારીરિક તેમજ માનસિક બીમારી થાય છે.
- મસાલેદાર પદાર્થો અને ફાસ્ટ ફૂડ; અવાળું ફુલાવું, દાંત પીડા પડવા, પેઢા સડવા
- આર્ટીફીસીયલ સ્વીટનર; મોટેભાગે પેક્ડ ફૂડ અને સોફ્ટ ડ્રીંકમાં હોય છે, ખાસ નાના બાળકો અને યુવાનોમાં દાંતના રોગો માટે આ ખુબ જ જવાબદાર છે.
દાંત, પેઢા અને મોઢાની આ સમસ્યાઓ માટે આયુર્વેદમાં તમે નીચેની સારવાર અપનાવી શકો છો:
૧. દૈનિક પ્રયોગો, જેવાં કે દાતણ. મંજન, કવલ ગ્રહ, મુખવાસ
૨. સાપ્તાહિક ઓરલ ડીટોક્ષ થેરાપી; શોધન ગંડુશ, સ્નેહ ગંડુશ, શમન ગંડુશ
ગંડુશ; સાપ્તાહિક ઓરલ ડીટોક્ષ થેરાપી:
આ થેરાપી માં રોગ અને રોગીની પ્રકૃતિ અનુસાર કોઈ પણ ડીટોક્ષ પ્રવાહીથી મોઢાને અમુક નિશ્ચિત સમય સુધી પૂરે પૂરું ભરી રાખવાનું હોય છે.
કેટલા સમય સુધી ભરી રાખવું?
જ્યારે નાક અને આંખમાં પાણી આવવા લાગે અને ગળા માંથી કફ છુટો પડતો અનુભવાય ત્યાં સુધી આ પ્રવાહી મોઢામાં ભરી રાખવું. આ પ્રક્રિયા ને ગંડુશ કહે છે.
કઈ રીતે અસર કરશે?
જેનાથી મોઢા અને દાંતની સંપૂર્ણ શુદ્ધિ થઇ રોગ મટે છે.
વ્યસ્ત જીવન શૈલીમાં આપ વિકેન્ડ માં આ ખાસ પ્રયોગો અજમાવી ઓરલ હેલ્થ ને જાળવી શકો છો. આ પ્રક્રિયા ૩ સ્ટેપમાં કરવામાં આવે છે:
પહેલાં શોધન ગંડુશ——- પછી સ્નેહ ગંડુશ—– અંતમાં શમન ગંડુશ
શોધન ગંડુશ :
- તેમાં ડીટોક્ષ પ્રવાહી તરીકે ઔષધીના ઉકાળા, ગૌમુત્ર, ક્ષાર જલ વગેરે વૈદ્યની સલાહ અનુસાર વાપરી શકાય.
- સામાન્ય રોગોમાં ફટકડી, સિંધાલૂણ, હળદર, એલચી, જાયફળ, તજ, લવીંગ વગેરેનાં મિશ્રણથી બનાવેલો ઉકાળો પણ ખુબ સારું કામ આપે છે.
- ૨ થી ૩ વખત ગંડુશ કરવું.
- શોધન ગંડુશથી સંપૂર્ણ મુખમાં જામેલો મળ, સળો, જંતુઓ, કફ, ચીકાશ દૂર થાય છે.
સ્નેહ ગંડુશ:
- તેમાં ડિટોક્ષ માટે ઔષધીય તેલ વપરાય છે. સામાન્ય રીતે બલા તેલ, યષ્ટિમધુ તેલ, ઈરેમેદાદી તેલ વગેરે ઉપયોગી છે. ઉપરાંત કાળા તલનું તેલ પણ વાપરી શકાય છે.
- શોધન ગંડુશથી સાફ થયેલાં પેઢા અને દાંત તેલથી મજબુત થાય છે.
શમન ગંડુશ:
- તેમાં ડિટોક્ષ માટે દૂધ, મધ, પંચવલ્કલ કવાથ વગેરે વપરાય છે.
- અંત માં આ ગંડુશ કરાવવાથી મુખ ખુબ જ સ્વચ્છ, ચિકાશ રહિત, સુગંધિત બને છે અને તેમાં વધારાની ગરમી દૂર થઇ ઠંડક થાય છે.
ઉપરની ગંડુશ પ્રક્રિયા કરી લીધા પછી નવસેકા પાણીથી ખુબ જ સારી રીતે કોગળાં કરવાં અને થોડું નવસેકું પાણી પીવું. ત્યારબાદ અડધી કલાક પછી કોઈ પણ ખોરાક લેવો.
કેટલાક ખાસ મુખારોગો માં ઉપયોગી ગંડુશ માટેના ડેટોક્ષ ઔષધો:
- દાંત અંબાઈ જવા, દાંત હલવા, દાંતનો દુઃખાવો, વ્યસન ને કારણે મોઢું ખુલતું ના હોય તો કાળા તલનું પાણી બનાવી તેનાથી ગંડુશ કરવાં.
- મોઢું કે જીભ પાક્યા હોય, તેમાં ચાંદા પડ્યા હોય, બળતરા થતી હોય અથવા તો કોઈ પણ ગરમ વસ્તુથી મોઢું દાઝી ગયું હોય તો તેમાં ગાય નું દુધ અથવા ઘી થી ગંડુશ કરવાં.
- મોઢાની ચીકાશ, જીભમાં ચીરો કે ઘા થવો, બળતરા વગેરેમાં મધ નું ગંડુશ કરવું.
- મોઢામાં ખુબ જ લાળ આવવી, ચીકાશ અને કફા ચોટેલો રહેતો હોય તો યવક્ષારનાં પાણીથી ગંડુશ કરવું.