Feeling Shame due to body odour? Try this simple Ayurveda remedy
શું આપ પસીના ની વાસ થી ખુબ શરમજનક સ્થિતિમાં મૂકાવ છો? તો ઉદ્વાર્ત્ન થી કરો દૂર
પરસેવાનું વધુ પ્રમાણ અને તેની ભયંકર વાસને કારણે લોકો જાહેરમાં શરમ અને લઘુતાગ્રંથિ અનુભવે છે. આ સમસ્યાનું મૂળ કારણ ઠીક કર્યા વગર માત્ર બહારથી લગાડેલાં પરફ્યુમ્સ કે ડિઓડરન્ટ્સ થોડીવાર માટે જ અસરકારક રહે છે.
સ્વેદ એ શરીરનો એક પ્રકારનો મળ ભાગ છે જે લોહી અને ચરબી ની અશુદ્ધિને શરીરમાંથી બહાર કાઢે છે. શરીરનાં શુદ્ધિકરણ અને ચામડી ની ચીકાશ ને જાળવી રાખવા માટે પરસેવાનું યોગ્ય પ્રામાણમાં નીકળવું જરૂરી છે.
પરસેવો વધુ પડતો અને અતિ દુર્ગંધ યુક્ત હોવાનાં કારણો:
- શરીરમાં ચરબી નું વધુ પડતું પ્રામાણ (मेद दुष्टि)
- શરીરમાં લોહી ની અશુદ્ધિ ( शोणित प्रदोष)
ખાસ કરીને મેદસ્વી લોકોનાં શરીરમાં વધુ પડતાં મેદને કારણે ખુબ જ પરસેવો નીકળ્યા કરે છે. મેદસ્વી લોકો જ્યારે વધુ પડતું વાસી, તળેલું, આથાવાળું અને જંકફૂડ આરોગે છે ત્યારે તેમની ચરબી અને લોહી માં એક પ્રકારની અશુદ્ધિ થાય છે જેને કારણે તેમનાં પરસેવા માંથી ખુબ જ દુર્ગંધ આવે છે.
આ જ રીતે મેદસ્વી ન હોય તેવાં લોકોમાં પણ લોહીનો બગાડ થવાથી પરસેવાની સમસ્યા જોવાં મળે છે. આથાવાળી વસ્તુઓ, બેકરીની વસ્તુઓ, જંકફૂડ, વાસી, તળેલું, અતિ મસાલેદાર ખોરાક, માંસાહાર, અથાણાં, ગોળ, ડુંગળી, દારૂ, નમક, અડદ, સળેલો-દુર્ગંધિત આહાર, વિરુદ્ધ આહાર વગેરેના વધારે પડતાં સેવન થી લોહીનો બગાડ (રક્ત દુષ્ટિ) થાય છે. આ ઉપરાંત કબજીયાત ની ફરિયાદ પણ પરસેવાની સમસ્યાને વધારી દે છે.
આથી પરસેવાની સમસ્યા દૂર કરવા તેનાં કારણોથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને ઘરનો બનેલો તાજો, પોષ્ટિક, સાત્વિક અને શુદ્ધ આહાર લેવો. નિયમિત વ્યાયામ અને યોગ કરી મેદને ઘટાડવું. કબજીયાત ન રહે તે માટે ત્રિફળાચૂર્ણ, હરિતકી ચૂર્ણ, ત્રિફલા ગુગળ વગેરે વૈદ્યની સલાહ અનુસાર લેવું. પરસેવાની સમસ્યામાં ઉદ્વર્તન પ્રયોગ ખુબ જ લાભદાયી છે.
ઉદ્વર્તન શું છે?
સામાન્ય ભાષામાં ઉબટન તરીકે ઓળખાતો આ પ્રયોગ ખરેખર એક આયુર્વેદીય સારવાર પ્રક્રિયા જ છે. ઉદ્વર્તન એટલે શરીરને સુકા કરનારા ઔષધો માંથી કોઈ પણ ઔષધોનો કરકરો પાઉડર બનાવી સ્નાન કરતાં પહેલાં તેને શરીર પર ચોળવું.
ક્યારે કરવું?
સવારે અથવા સાંજે સ્નાન કરતાં પહેલાં
ક્યાં ઔષધથી કરવું?
ત્રિફલા, આમળા, ઘોડાવજ, બાજરી, જવ, ચણા વગેરેનાં કરકરા પાઉડરનો વૈદ્ય ની સલાહ અનુસાર ઉપયોગ કરી શકાય છે.
કઈ રીતે કરવું?
રુંવાટીથી અવળી કે ઉલટી દિશામાં ચામડી પર પાઉડરને ચોળીને ઘસવું.
કેટલી વાર સુધી કરવું?
આખા શરીરમાં કરવાં માટે લગભગ ૨૦ થી ૪૫ મિનીટ સમય લાગે. દિવસમાં એક વખત કરવું.
કેટલાં દિવસ કરી શકાય?
ચામડીમાં દેખીતી રીતે સુકાપણું ન આવે ત્યાં સુધી અથવા તો વૈદ્યની સલાહ અનુસાર.
કયા રોગો માં ના કરવું?
દુબળા શરીરવાળા, સુકી ચામડી હોય તેવાં વાત પ્રકૃતિનાં રોગીઓમાં ના કરવું.
શું લાભ થાય?
- ત્વચાનાં છિદ્રો ખુલી ત્વચા સ્વચ્છ બને.
- સ્વેદ ગ્રંથિઓ નિર્મળ બને અને પરસેવો નું પ્રમાણ યોગ્ય થાય
- શરીરમાં ચરબી ઘટે અને મેદ વિકારો ઓછા થાય
- રક્ત શુદ્ધિકરણ થવાથી ચામડીનાં રોગો મટે
- બ્લડ સુગર ઘટે
- ચામડીની ચીકાશ અને દુર્ગંધ ઘટે
સારાંશ:
ચરબી અને રક્ત ની દુષ્ટિને કારણે થતી પરસેવાની સમસ્યામાં આયુર્વેદીય ઔષધો દ્વારા કરવામાં આવતી ઉદ્વર્તનની પ્રક્રિયા ખુબ જ લાભ આપે છે. વજન અને બ્લડ સુગર લેવલ ઘટાડવામાં ખુબ જ ઉપયોગી છે.