કાનની બહેરાશ ને અટકાવવા રોજ કરો : કર્ણ પુરણ
આયુર્વેદમાં કહેલી અનેક પ્રક્રિયાઓ દેખાવમાં સામાન્ય લાગતી હોવાં છતાં તેનું અનુસરણ કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સમૃદ્ધિ પ્રદાન કરે છે. કર્ણ પુરણ પણ એવી જ પ્રક્રિયાઓમાંથી એક છે.
કાન એ સાંભળવાનું અને શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે છે. કાનનાં સૌથી અંદરના ભાગમાં જેને અંતઃ કર્ણ કહેવાય છે તેમાં આ કાર્ય કરવા માટે દુનિયાનાં સૌથી ઉમદા સેન્સર આવેલાં છે. આ સેન્સર એટલે એક વિશેષ જ્ઞાનતંતુ ના કોષો; જેને હેર સેલ કહે છે.
માનવશરીરના જન્મ સમયથી જ હેર સેલ એક માર્યાદિત સંખ્યામાં (આશરે ૧૫૦૦૦) જ ઈશ્વરે આપેલાં છે. એક વખત હેર સેલ ડેમેજ થયા પછી તેને ફરી બનાવવાની ક્ષમતા માનવશરીરમાં નથી. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ આ હેર સેલની સંખ્યા ઘટતી જાય છે. આ ઉપરાંત બહારનાં પરિબળો જેવા કે અતિ ઘોંઘાટ, લાઉડ સ્પીકરના તીવ્ર અવાજ, ધ્વનિ પ્રદુષણ, ડાયાબીટીસ જેવાં રોગો વગેરેને કારણે પણ હેર સેલ ડેમેજ થતાં જાય છે.
વર્તમાન સમયમાં ધ્વનિ પ્રદુષણ ખુબ જ ભયજનક રીતે વધતું જાય છે. સડકથી કરીને સિનેમા સુધી અનેક પ્રકારના તીવ્ર અવાજ આપણા કાને જાણે અજાણે પડે છે, જે નાની ઉંમરમાં પણ હેર સેલ ડેમેજ કરી શરીરની સાંભળવાની અને સંતુલન કરવાની ક્ષમતાને ધીરે ધીરે ઓછી કરે છે.
એક સર્વે મુજબ ચાલીશી વટાવેલા ઘણાં લોકોમાં અંશતઃ બહેરાશ આવી જાય છે. આ સાથે જ કાનમાં અવાજ આવવો, સતત ચકકર આવવા, કાનમાં વારંવાર વેક્સ જામી જવો, કાનમાંથી પસ જેવું પ્રવાહી સતત નીકળવું વગેરે રોગોમાં કર્ણ પુરણ ઉપયોગી છે.
કર્ણ પુરણ શું છે?
ઔષધીય પ્રવાહીથી કાન ને અમુક ચોક્કસ સમય સુધી પૂરે પૂરું ભરી રાખવાની પ્રક્રિયાને કર્ણ પુરણ કહે છે.
ક્યારે કરવું?
- દિનચર્યા માં રોજ રાત્રે સુતી વખતે અથવા સુર્યાસ્ત પછી.
- પંચકર્મ નાં ભાગરૂપે કોઈ પણ સમયે ભૂખ્યા પેટે અથવા જમ્યાનાં 4 કલાક પછી.
કયા ઔષધ થી કરવું?
ઔષધિથી સિદ્ધ કરેલું તેલ, કાળા તલનું તેલ, સરસિયું તેલ, ગૌમુત્ર, વનસ્પતિના પાન નો રસ વગેરેમાંથી રોગ અને તાસીર અનુસાર વૈદ્યની સલાહ મુજબ કરવું.
કઈ રીતે કરવું?
- વ્યક્તિને કોઈ પણ એક પડખાભેર સુવડાવી તેનાં કાનની આસપાસ ગરમ કપડા વડે થોડો સેક કરવો. ત્યારબાદ ઔષધિથી પૂરો કાન ભરી દેવો.
- કાન નાં રોગ માટે ૩ થી ૧૦ મિનીટ,
- ગળાના રોગોમાં ૧૫ મિનીટ અને
- માથાનાં રોગોમાં ૩૦ મિનીટ સુધી ઔષધ ભરી રાખવું.
- ઔષધ ભરેલું હોય તે દરમિયાન કાનનાં મૂળમાં થોડું મર્દન કરવું કે મસળવું.
કર્ણ પુરણ પછી તરત શું કરવું?
કોટન સ્પંજ થી કાનમાંથી ઔષધિ કાઢી લેવી. અને સ્વચ્છ કોટનથી કાન ઢાંકી દેવો. તરત ઠંડા પાણીનો સ્પર્શ ન કરવો.
કેટલી વાર કરવું?
આપની પ્રકૃતિ મુજબ વૈદ્યની સલાહ અનુસારના તેલ થી રોજ રાત્રે કર્ણ પુરણ કરવું. જ્યારે કોઈ રોગ વિશેષ માટે કરવાનું હોય તો તે માટે વૈદ્યની સલાહ અનુસરવી.
કેટલાં દિવસ સુધી કરી શકાય?
દૈનિક પ્રક્રિયા નાં ભાગ રૂપે રોજ કરી શકાય. કોઈ ખાસ રોગ માટે કરવું હોય તે રોગ શાંત થાય ત્યાં સુધી કરવું.
કયા રોગમાં ન કરવું?
અતિશય કફનાં રોગોમાં તેલથી કર્ણ પુરણ ન કરવું.
કર્ણ પુરણ થી થતાં લાભ:
- માથામાં વાયુનાં દોષની શાંતિ થાય છે
- કાન નો દુઃખાવો મટે છે
- બહેરાશ આવતી નથી
- કાનના જ્ઞાનતંતુઓ હેર સેલ ને પોષણ મળે છે જેથી કાનમાં તમરા બોલવા, ચિત્ર-વિચિત્ર અવાજ આવવા વગેરે માં લાભ થાય છે.
- ડોક,જડબા અને માથાનાં સ્નાયુઓ જકડાઈ જવાનાં રોગો અને દુઃખાવા મટે છે અને ફરી થતાં નથી.
- ગાઢ અને સ્વપ્ન વગરની ઊંઘ આવે છે.
સારાંશ:
કર્ણ પુરણ નો પ્રયોગ દૈનિક કરવાથી માથું, કાન, જડબા, ડોક વગેરેનાં રોગો થતાં નથી અથવા થયેલાં રોગોમાં રાહત થાય છે. કાનનાં જ્ઞાનતંતુઓ ને પોષણ તેમજ રક્ષણ મળે છે અને બહેરાશ આવતી નથી.