Abhyanga : Real Method Of Doing Ayurvedic Massage as Described in Charak Samhita
ચરક મહારાજે બતાવી શ્રેષ્ઠ માલીશ પદ્ધતિ જેમાં વિશ્વની દરેક મસાજ થેરાપી સમાઈ જાય છે
શરીર પર કોઈ પણ સ્નેહ એટલે કે તેલ અથવા ઘી ની માલીશ કરવાની પ્રક્રિયાને અભ્યંગ કહેવાય છે. માલીશ કરવાં માટેની અનેક પદ્ધતિઓ વિશ્વમાં પ્રચલિત છે જેવી કે થાઈ મસાજ, સ્વીડીશ મસાજ, ચાઇનીઝ મસાજ, એક્યુપ્રેશર મસાજ, કેરાલિયન ફૂટ મસાજ વગેરે. મસાજ ની આ પદ્ધતિઓ ખરેખર હજારો વર્ષો પૂર્વે આયુર્વેદનાં મહર્ષિ ચરકે કહેલી ત્રણ સ્ટેપની વિધિ નો વિસ્તાર માત્ર છે.
માલીશ કઈ રીતે કરવી તેની રીત ચરક મહર્ષિએ ખુબ જ સુંદર ઉદાહરણ દ્વારા સમજાવી છે.
તેમણે ત્રણ ઉદાહરણો દ્વારા માલીશ ની રીત સમજાવી છે:
1. સ્નેહ થી કુંભાર જેમ ઘડા ને લીપે તેમ (આખા શરીરે તેલ નો લેપ કરવો)
પહેલાનાં સમયમાં કુંભાર ઘડા પર તેલ નો લેપ કરતાં આથી ઘડા ખુબ જ ટકાઉ અને મજબુત બનતાં. તે જ રીતે પ્રથમ વ્યક્તિએ પુરા શરીર પર ગરમ નવસેકા તેલ નો લેપ કરવો. એટલે કે તેલ પુરા શરીર પર લગાડી દેવું. તેલ ક્રમશઃ ઉપર થી નીચે એટલે માથાથી પગ તરફ લેપ કરતાં હોઈએ તે રીતે લગાડતાં જવું.
2. ચમાર જેમ ચામડા ઉપર તેલને ખુબ જ ઘસીને તેને તેલ પીવડાવે તેમ (મર્દન કરીને તેલ ને ઉંડે ઉતારવું)
ચામડાને મજબુત કરવાં માટે તેના પર ખુબ જ તેલ ઘસવામાં આવે છે. આથી ધીરે ધીરે તેમાં તેલ ઉતરતું જાય છે અને ચામડાની મજબુતી વધે છે. તે જ રીતે તેલ લેપન કર્યા પછી શરીર પર તેલ ખુબ ચોળવું એટલે કે ઘસીને મર્દન કરવાનું હોય છે. તેનાથી તેલ ચામડીના અંદર પહોંચી શરીરનાં અંદર પોતાની અસર બતાવે છે. કહેવાની આવશ્યકતા નથી કે મર્દન જેટલું સારું તેટલો વધુ લાભ.
3. વાહનોમાં પેડા ની ધારીમાં જેમ તેલ પુરાય તેમ (સાંધા, કાન, નાભિ સ્થાનો વગેરે માં તેલ પુરવું)
પૈડાની ધારીમાં જેમ તેલ પુરાવાથી તે મજબુત બને છે અને સરળતાથી વાહન દોડી શકે છે તે જ રીતે શરીરનાં પણ કેટલાક અંગો એવાં છે જેમાં તેલ પુરાવાની જરૂર પડે છે. દરેક સાંધામાં સારી રીતે તેલ લગાવવું જોઈએ. નાક, કાન, નાભિ આવા અંગોમાં તેલનાં ૩- 4 ટીપાં નાખવાથી શરીરરૂપી વાહન લાંબો સમય સુધી સારી રીતે દોડતું રહી શકે છે.
સારાંશ:
નવસેકા તેલ નું આખા શરીરમાં લેપન કરવું, ત્યાર બાદ ખુબ જ ઘસીને (મર્દન) તેલ ઉતરવું અને પછી કાન,નાક, નાભિ વગેરે અંગોમાં તેલ પુરવું (પુરણ). આમ લેપન, મર્દન અને પુરણ આ માલીશ નાં ત્રણ અગત્યનાં સ્ટેપ કરવાથી જ શરીર નાં બધાં અંગો સુધી માલીશ ની અસર પહોંચાડી શકાય છે.