Suffering from Asthma: Follow these simple Ayurveda tips during this spring
શ્વાસ ના રોગ ને કાબૂ માં લેવા અપનાવો આ સરળ આયુર્વેદિક ઉપાય
શ્વાસનાં રોગીએ આ ઋતુમાં જો એક ખાસ પ્રકારનાં આહાર–વિહારનું પાલન કરે તો તેમનાં રોગ માટે જવાબદાર કફદોષનું પ્રમાણ શરીરમાંથી ઘટે છે. તેમને આહારમાં માત્ર મગનું શાક કે દાળ અને ઓસવેલા ગરમ તાજા ભાત, શેકેલા ઘઉંની થુલી, ચોખાની કણકી, આદુ, સરગવો, લસણ, અજમો, તુલસી વગેરેનું સેવન કરવું. આ સાથે જ ઠંડું, વાસી, ઝીણાં લોટની બનાવટ (રોટલી, ખાખરા, પરોઠા), દૂધ, દૂધની મીઠાઈ, દહીં, કેળા, મેંદો, તલ, અડદ, આથાવાળા વગેરે પદાર્થો ન લેવાં.
સવારમાં વહેલા હળવો વ્યાયામ, ચાલવું, વધુ શ્રમ ન પડે તેવાં અનુલોમ–વિલોમ જેવા સરળ પ્રાણાયમ વગેરે કરવા. એમાંથી પણ શ્વાસનાં રોગીએ ખાસ વસંત શરૂ થતાં જ છાતીમાં જામેલો કફ છૂટો પાડવા તલનાં તેલમાં સૈધવનમક નાખીને ગરમ કરી છાતી અને પડખામાં માલીશ કરવી તેમજ તેની ઉપર હ્યદય સિવાયનાં ભાગમાં સેક કરવો. આ ક્રિયા સરળ છતાં એટલી અસરકારક છે કે તેનાથી સ્વાસ માટે લેવામાં આવતાં પંપ પણ ધીમે ધીમે ઓછા થાય છે.
આ ઋતુમાં અઠવાડિયામાં એકવાર નમકનાં ગરમ પાણીથી ઉલટી કરવાથી વધારાનો કફ બહાર નીકળે છે. ઉપરાંત દરરોજ નાકમાં તલનાં તેલને ગરમ કરી નવસેકા ૩–૪ ટીપાં નાખવા. શ્વાસનાં રોગી જો રાતનું ભોજન જ ન લે અને માત્ર સવારે અને બપોરે જ ઉપર સૂચવેલો આહાર લે તો તેને રાત્રે આવતાં હુમલાથી રક્ષણ મળે છે.
સુંઠ એક ભાગ અને પાણી સોળ ભાગ લઈ ઉકાળીને અડધો ભાગ પાણી બાળી આખો દિવસ આ સિદ્ધ જલ નો પ્રયોગ કરવો. ધૂળ, ધૂમાડા, રજકણો, ઠંડીથી સતત બચવું. સવારે અને સાંજે ભૂખ્યા અને હળવું પેટ હોય ત્યારે હળવી કસરત, ચાલવું અને હળવી શ્વાસોચ્છવાસની કસરત, અનુલોમ–વિલોમ પ્રાણાયમ કરવા. કબજીયાત ન થવા દેવી અને જેમને કાયમ કબજીયાત અને પેટમાં વાયુની ફરિયાદ રહેતી હોય તેમને હરડે, સુંઠ, હિંગ, કડુ વગેરેનો વૈધની સલાહ મુજબ પ્રયોગ કરવો કેમકે શ્વાસનો રોગ પાચનની નબળાઈ, ગેસ અને કબજીયાતથી વધી જાય છે.