Are You Doing Night Shift? Read This for Maintaining better health
જો આપને નાઈટ શિફ્ટ ને કારણે ઉજાગરા કરવા પડે છે તો આ લેખ છે તમારા માટે ખાસ જરૂરી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ લાંબા સમય માટે થતાં ઉજાગરા અને રાત્રે કામ કરવું તેમજ દિવસે સુવાની વિપરિત ટેવ ને કારણે શરીરમાં ડાયાબીટીસ થી લઈને કેન્સર સુધીનાં રોગો થાય છે. પાચનતંત્ર ની સમસ્યાઓ, હૃદયરોગ, માનસિક રોગો, અલ્સર વગેરે અનેક સમસ્યા અનિયમિત ઊંઘ લેવાથી થાય છે.
આયુર્વેદ પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પુરતી ઊંઘને ખુબ જ મહત્વ આપે છે. ભગવાન ચરક તો આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ને સ્વાસ્થ્યના ત્રણ સ્થંભ કહ્યા છે. રાત્રે સ્વાભાવિક રૂપથી આવતી નિદ્રાને ચરક મહારાજે ભૂતધાત્રી એટલેકે શરીરને ધારણ કરનારી કહી છે. આ ઊંઘ યોગ્ય પ્રમાણમાં લેવાથી શરીરમાં અગ્નિ, બળ, સુખ અને આરોગ્ય વધે છે. આ સિવાય અન્ય કોઈ પણ સમયે લીધેલી નિદ્રા રોગને ઉત્પન્ન કરનારી છે.
રાત્રી જાગવાથી અને દિવસે સુવાની દિનચર્યા થી શરીરમાં નીચેનાં ફેરફાર થાય છે:
- વાત દોષ ખુબ જ વધે છે જેથી;
- થાક લાગે છે અને સ્ફૂર્તિ તેમ જ ઉત્સાહ ઘટે છે.
- ચામડી સુકી થઇ જાય છે.
- ગાઢ ઊંઘ આવતી નથી.
- સાંધા અને સ્નાયુઓમાં વા અને ઘસારો નો રોગ થવાની સંભાવના વધી જાય છે.
- અગ્નિ મંદ થાય છે જેથી;
- કબજીયાત થાય છે.
- અપચો, એસીડીટી, ગેસ, માથાનો દુઃખાવો વગેરે થાય છે.
- શરીરને પુરતું પોષણ ન મળવાથી વિટામીન, કેલ્શિયમ, લોહીની ખામી થાય છે.
- ત્રિદોષ પ્રકોપ થાય છે જેથી;
- ડાયાબીટીસ, હાઈ બીપી, કોલેસ્ટેરોલની સમસ્યા, હૃદય રોગ, મોટાપો થાય છે.
- શરીરમાં વિષ તત્ત્વોને બહાર કાઢવાની પ્રક્રિયા ધીમી પડે છે આથી કેન્સર જેવાં રોગો થઇ શકે છે.
- હોર્મોન્સ નું સંતુલન બગાડે છે.
- મન અશાંત થાય છે અને તમોગુણ વધે છે.
- ડીપ્રેશન જેવાં માનસિક રોગો થાય છે.
- સ્વભાવ ચીડિયો થવો, બેચેની થવી, ઊંઘ ના આવવી વગેરે જોવાં મળે છે.
આ મુશ્કેલીઓ ના થાય તે માટે આયુર્વેદે દર્શાવેલી આ સલાહનું અનુસરણ ઉપયોગી બની રહેશે:
દિનચર્યા સંબંધી સૂચનો
- શરીરમાં વાયુ વધતો અટકાવવા માટે નાઈટ શિફ્ટથી ઘરે આવ્યા પછી સૌથી પહેલાં ગરમા ગરમ તેલ થી શરીરે માલીશ કરવી અને ગરમ પાણી થી સ્નાન કરી ખાલી પેટ સુઈ જવું.
- સુતા પહેલાં કાનમાં નવસેકા તેલનું કર્ણ પુરણ કરવું અને માથામાં તેલ નાખવું.
- શિફ્ટ ડ્યુટી નાં સમય મુજબ આખા અઠવાડિયામાં આપનાં ભોજન, ઊંઘ અને વ્યાયામના સમયનું પ્લાનીગ બનાવી તેને ખુબ જ પ્રામાણીકતાથી અનુસરણ કરવું. જેમકે નાઈટ શિફ્ટ પછી ક્યારે અને કેટલું દિવસે સુવું, ક્યારે ભોજન લેવું અને ક્યારે વ્યાયામ કરવો. આ કરવાથી શરીરને એક નિયમિતતાની આદત પડશે.
આહાર સંબંધી સૂચનો
- રાત જાગીને આવ્યા પછી ભર પેટ જમીને ક્યારેય સુવું નહિ. શક્ય હોય તો જમ્યા વગર જ સુઈ જવાની આદત પાડવી, કેમકે જમીને ઊંઘ લેવાથી ત્રિદોષ પ્રકોપ થાય છે અને પાચનશક્તિ ખુબ જ બગાડે છે. જો વધારે ભૂખ લાગી હોય તો મોળી છાશ, ફળ વગેરે લેવું પણ અનાજ કે નાસ્તો તો ન જ કરવો.
- ઉજાગરા વધારે થતાં હોય તો મગ સિવાયના કઠોળ નો ખોરાકમાં ઉપયોગ ઓછો કરવો. કઠોળ વધારે લેવાથી શરીરમાં વાયુ વધે છે.
- દેશી ગાયનું ઘી મગજનાં જ્ઞાનતંતુઓ ને પોષણ આપે છે તેથી તેનું સપ્રમાણ સેવન કરવું. આથી ઉજાગરાને કારણે થતાં મગજનાં ઘસારાની અસર ઓછી રહે છે.
નિદ્રા સંબંધી સૂચનો
- ઘણાં લોકો નાઈટ શિફ્ટ કર્યા પછી દિવસે બે ત્રણ કટકે ઊંઘ લે છે. એના કરતાં એક વખત માં જ સળંગ ૬ – ૭ કલાક એકસાથે ઊંઘ લઇ લેવી વધારે સારી.
સારાંશ:
નાઈટ શિફ્ટ ને કારણે થતું રાત્રી જાગરણથી શરીરમાં વાત દોષ વધે, અગ્નિ મંદ થાય અને લાંબા ગાળે ત્રિદોષ પ્રકોપ થઇ કેન્સર થી લઈને ડાયાબિટીસ જેવાં ગંભીર શારીરિક અને માનસિક રોગો થાય છે. આ માટે નિયમિત માલીશ કરવી, દિવસે જમ્યા પહેલાં જ પુરતી સળંગ ઊંઘ લઇ લેવી તેમ જ નિયમિત વ્યાયામ, યોગ અને પ્રાણાયામ કરવાં. વૈદ્યની સલાહ અનુસાર માત્રા બસ્તિ લેવાથી બધી જ સમસ્યા દૂર થાય છે.