ભારતમાં વર્ષ દરમિયાન અનુભવાતી પ્રત્યેક ઋતુમાં સૂર્યપ્રકાશ, ઠંડી, ગરમી, હવા, ભેજ, દિવસ-રાતની લંબાઈ વગેરેનું પ્રમાણ જુદું જુદું જોવા મળે છે. આ પ્રમાણે પ્રત્યેક ઋતુની અલગ-અલગ અસર માનવશરીર પર પડે છે. હવે જો પ્રત્યેક ઋતુમાં આપણું વર્તન એવું હોય કે જે શરીરમાં થતાં આ ઋતુજન્ય પરિવર્તન દરમિયાન તેને બહારનાં વાતાવરણ સાથે પોતાનું સામંજસ્ય સ્થાપિત કરવામાં મદદરૂપ થાય તો ઋતુજન્ય ફેરફારોથી સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય. આયુર્વેદનાં મહર્ષિઓએ પ્રકૃતિના પરિવર્તનો તથા તેની શરીર પર થતી અસરનાં અત્યંત સૂક્ષ્મ અભ્યાસ દ્વારા એક સંપૂર્ણ વૈજ્ઞાનિક વ્યવહારશૈલીનું નિર્માણ કર્યું જેને ઋતુચર્યા કહેવાય છે.
આમ ઋતુચર્યા એટલે ઋતુપરિવર્તન અનુસાર દૈનિક વ્યવહાર, ખાન પણ વગેરેમાં આગવું સ્વસ્થ્યદાયક પરિવર્તન. ઉપરાંત પ્રત્યેક ઋતુ અનુસાર શરીરનાં વાયુ, પિત્ત અને કફ દોષોનાં પ્રમાણમાં વધ-ઘટ થાય છે અને તેને લીધે અમુક ઋતુમાં અમુક રોગો વધેલા કે ઘટેલા જોવા મળે છે. જેમ કે શિયાળામાં લોકો દ્વારા વધુ પ્રમાણમાં પૌષ્ટિક અને ચીકણા, ભારે ખાદ્યપદાર્થો જેવા કે અડદીયા, શેરડી, ગોળ, તલ વિવિધ પાક વગેરેનું સેવન થતાં તેમનાં શરીરમાં કફદોષનું પ્રમાણે વધે છે. આથી આ ઋતુ અને તેનાં પછી આવતી વસંતઋતુમાં કફને કારણે થતાં શ્વાસ અને ચામડીનાં રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે.
વસંત પંચમી નાં તહેવાર સમયે વસંત ઋતુ ની શરુઆત થાય છે. તેની સવાર શિયાળાની ગુલાબી ઠંડી જેવી અને બપોર ઉનાળાનાં આકરા તાપ જેવી હોય છે. આ ઋતુસંધિ એટલે કે શિયાળા અને ઉનાળાને જોડતી વસંત ઠંડી અને ગરમીનું એવું મિશ્રણ સર્જે છે કે તેનાથી શરીરમાં શિયાળા દરમિયાન જમા થયેલો કફ દ્રવીભૂત થઈ પીગળે છે. સાથે સાથે ઠંડી પણ હોવાથી આ કફ પૂરે પૂરો શોષાઈ જતો નથી પણ પોતાના દ્રવ સ્વરૂપથી આખાય શરીરમાં જુદા જુદા રોગો કરે છે.
આમ વસંતએ કફદોષનાં દ્રવત્વગુણને લીધે શરીરમાં પાચનશક્તિ નબળી બનાવી એટલે કે અગ્નિ મંદ કરે છે તેથી મરડો, ભૂખ ન લાગવી, ગળા અને છાતીમાં કફ ભરેલો લાગવો, આળસ, શ્વાસ, શરદી, શીળસ, ચામડીની એલર્જી, માથું ભારે થવું વગેરે કફને લગતાં લક્ષણો જોવા મળે છે. પરંતુ સાથે સાથે આ ઋતુનું જમા પાસું એ છે કે જો તેમાં આયુર્વેદીય સરળ ઉપાયોનો આશરો લઇ દ્રવીભૂત કફને કાઢી નાખવામાં આવે તો આવનાર આખા વર્ષમાં કફનાં રોગોમાં રાહત રહે છે. ખાસ કરીને ચામડી અને શ્વાસનાં દર્દીઓ જો થોડી સાવચેતીથી આયુર્વેદીય વસંતઋતુચર્યા પાળે તો તેમનાં માટે આવનારો શિયાળો હર વખતની જેમ ભયાવહ રહેતો નથી.
આયુર્વેદ મત પ્રમાણે આ ઋતુમાં દ્રવીભૂત કફને બહાર કાઢવા માટે વમન કર્મ, નસ્યકર્મ કરાવવામાં આવે છે; જે માત્ર અનુભવી વૈધની સંપૂર્ણ દેખરેખ નીચે જ કરવા જોઈએ. પરંતુ આ માટે કેટલાક સરળ ઉપાયો પણ આપેલા છે જે દરેક વ્યક્તિ વૈધની સલાહ મુજબ અને પોતાની તાસિર મુજબ ઘરમેળે કરી શકે છે. આ ઋતુમાં દરેકે સરસીયા તેલની માલીશ કરી સવારે ખૂબ જ વ્યાયામ કરવો, બપોરે સૂવું નહીં, ખોરાકમાં લૂખા, હલકા અને સામાન્ય ગરમ દ્રવ્યો લેવા. માત્ર ગરમ પાણી અથવા સૂંઠ, નાગરમોથ, ગંઠોળા વગેરે તાસિર મુજબ યોગ્ય પ્રમાણમાં નાખી ગરમ કરીને પીવું. નાહવામાં કેસૂડાંનાં ફૂલ નાખી ગરમ કરેલું પાણી વાપરવું.
આથી જ હોળી માં મકાઈની ધાણી, બાફેલા કઠોળ જેવા લુખ્ખા પદાર્થો ખાવાનો અને ગાયનાં અડાયા છાણાથી બનેલી હોળીને ફરતે રહી શેક લેવાનો રિવાજ છે. તેનાથી કફ દોષનું શરીરમાં પ્રમાણ ઘટે છે. ઉપરાંત કેસૂડાંના ફૂલવાળા પાણીથી રમાતી હોળી ચામડીને સુંવાળી બનાવી કફને લીધે થતી એલર્જીથી રક્ષણ આપે છે. આમ તહેવાર સાથે પણ સ્વાસ્થ્ય સંરક્ષણને જોડવામાં આવ્યું છે.